અફીણ સાથે શુભમ ઝડપાયો

અફીણ સાથે શુભમ ઝડપાયો

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ઝોન-3 એલસીબી સ્કોડે બાપા સીતારામ ચોક નજીક વોચ ગોઠવી હતી. બાતમીના આધારે પોલીસે 22 વર્ષીય રત્નકલાકાર શુભમ ઉર્ફે શુભલો રમેશ ધોળકિયાને ઝડપી પાડ્યો હતો.



તપાસ દરમિયાન શુભમ પાસેથી 988 ગ્રામ અફીણ મળી આવ્યું, જેની કિંમત અંદાજે 4.94 લાખ રૂપિયા છે. સાથે જ મોબાઇલ સહિત કુલ 5 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ અફીણ તેને અમરોલી વિસ્તારના સ્ટાર ગેલેક્ષી નજીક રહેતા અરવિંદ નામના શખ્સે આપ્યું હતું. હાલ આ શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.જોકે આરોપી શુભમે એવો દાવો કર્યો કે તે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે આયુર્વેદિક દવા તરીકે અફીણ લાવ્યો હતો, પરંતુ આટલા મોટા જથ્થામાં અફીણ મળી આવતા પોલીસને આ વાત વિશ્વસનીય લાગી નથી.આ મામલે કતારગામ પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.