સુરતના કાપોદ્રા પાસે આવેલ નવી શક્તિવિજય સોસાયટી પાસે અમરોલીથી મોપેડ પર વરાછા ઘરે જતી આર્મીમેનની સગર્ભા પત્નીની છેડતી કરી હતી. જેની ફરિયાદ નોંધાવતા છેડતી કરનાર બે પરિણીત યુવાનને કાપોદ્રા પોલીસે પરિણીતાએ ઉતારેલા વિડીયોમાં નજરે ચઢેલા બાઈકના નંબરના આધારે ઝડપી લીધા હતા.આર્મીમાં ફરજ બજાવતા આર્મીમેનની સગર્ભા પત્ની તેની માતા સાથે સુરતના વરછા વિતારમાં રહે છે.જે અમરોલીથી પોતાના ઘરે જતી હતી ત્યારે વરછાની શકિત વિજય સોસાયટી પાસે બીઆરટીએસ રોડ પર મહિલાની મોપડને આંતરી બે અજાણ્યા બાઈક ચાલકે કહ્યું હતું કે તારો મોબાઈલ નંબર આપ. પરિણીતાએ મારો મોબાઈલ નંબર શું કામ જોઈએ છે તેમ પૂછતાં બાઈક ચાલક ઝઘડો કરવા લાગ્યો હતો અને પાછળ બેસેલા અજાણ્યાએ નીચે ઉતરી પરિણીતાનો હાથ પકડી લીધો હતો.
જેથી મોપેડ આડું કરી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવવા લાગતા હાથ પકડનારે વિડીયો બનાવવાની ના પાડી હતી. થોડીવારમાં લોકોનું ટોળું એકત્ર થતા બંને પરિણીતા પાસે માફી માંગવા લાગ્યા હતા. પરિણીતાએ તેમને સાથે વરાછા પોલીસ સ્ટેશન આવવા કહેતા બંને તૈયાર થયા હતા અને પરિણીતાના મોપેડની આગળ બાઈક ચલાવતા બરોડા પ્રિસ્ટેજથી યુટર્ન મારી ફરાર થઈ ગયા હતા.વરાછા પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાએ ફરિયાદ કરવા જતા બનાવ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બન્યો હોવાથી ત્યાં ફરિયાદ નોંધાવા જણાવ્યું હતું.મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે મહિલાએ બનાવેલા વિડીયોમાં નજરે ચઢતા બાઈકના નંબરના આધારે કુટુંબી સાળા-બનેવી એમ્બ્રોઈડરીના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા અને 10 વર્ષના પુત્રના 27 વર્ષીય પિતા ભવદીપ શાંતિભાઈ ડાંગોદરા અને ટાઈલ્સ ફીટીંગનું કામ કરતા અને છ મહિનાની બાળકીના 37 વર્ષીય પિતા પ્રકાશ મેઘાભાઈ ભીલવાલાની ધરપકડ કરી હતી.