કોર્ટ મેરેજમાં સહી નહીં કરે તો હું પણ ફેનીલનો ભાઈ જ છું કહી યુવતીને ધમકી આપી

કોર્ટ મેરેજમાં સહી નહીં કરે તો હું પણ ફેનીલનો ભાઈ જ છું કહી યુવતીને ધમકી આપી

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 22 વર્ષની પુત્રી સાથે ઈન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનીલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી યુવતીની જબરજસ્તી સહી કરાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્નકલાકારની 22 વર્ષની પુત્રીની દોઢ વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ ઉપર રત્નકલાકાર જતીન કિશોર ગજેર સાથે મિત્રતા થઈ હતી.બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ વ્હોટ્સએપ ઉપર વાત કરતા હતા.જતીનના કહેવાથી પ્રિન્સીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ યેનકેન પ્રકારે જતીને પ્રિન્સીનો પીછો કરી કનડગત કરતો હતો અને વરાછાના મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતુ. પરંતુ પ્રિન્સીએ ઈન્કાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનીલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ એવી ધમકી આપી હતી. પ્રિન્સી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટા પાડ્યા હતા.ત્યારે જતીન દ્વારા પ્રિન્સીના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હતા.જેથી પ્રિન્સીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે જતીનની ધરપકડ કરી છે