સુરતના કાપોદ્રા વિસ્તારમા આવેલ અશોક વાટીકા સોસાયટીમા ચોરીની ઘટના બનવા પામી હતી, જેમાં પુત્રએ જ પિતાના ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો. જોકે આ મામલે કાપોદ્રા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને પકડી પાડી ધરપકડ કરી હતી અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ તો અનેક જોઈ હશે પરંતુ કાપોદ્રા પોલીસ દ્વારા જે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો તે સાંભળીને તમે પણ વિચારમા પડી જશો. વાત છે કાપોદ્રા વિસ્તારની, કાપોદ્રા અશોક વાટીકા સોસાયટીમા આવેલ ઘરમાં એક ચોરીની ઘટના બનવા પામી હતી, ઘરના સભ્ય લગ્ન પ્રસંગમા ગયા હતા જે સમયે ચોર ઈસમે ઘરનો દરવાજો ખોલી અને તીજોરી તોડી રોકડા રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરી હતી, જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધવામાં આવ્યો હતો.
જોકે પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા જોઈએ તપાસ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ઘરના સભ્યોના નિવેદન નોંધ્યા હતા પરંતુ પોલીસે તપાસ શરૂ કરી અને નજીકના સીસીટીવી ચેક કરતા ઘરનો દીકરો પોતાના જ ઘરમા ચોરી કરી બહાર નીકળતો નજરે ચડ્યો હતો. આ વાત સાંભળતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, જે દીકરાએ કામકાજ કરી ઘરનું ગુજરાન ચલાવવાનું હોય, તે જ દીકરો ઘરમાં ચોરી કરી મોજશોખ પુરા કરે છે. જોકે કાપોદ્રા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીની પૂછતાછ કરતા જાણવા મળ્યું કે, તે પરિવાર સાથે લગ્નમાં ગયો હતો અને ત્યારબાદ લગ્નમાંથી વહેલા ઘરે આવી ગયો હતો. ચોરી કરવાનાં ઇરાદે ભાડેથી કટર લાવ્યો હતો અને ત્યારબાદ તીજોરી તોડી રોકડા રૂપિયા અને બહેનના ઘરેણાં ચોરી કરી ભાગી છૂટ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો હતો. જોકે વધુ તપાસમા જાણવા મળ્યું હતું કે, આરોપી બેકાર હોય કોઈ કામકાજ કરતો ન હતો અને અગાઉ ચોરી અને છેતરપિંડી જેવા ગુનાઓ અચારી ચુક્યો છે. જોકે હાલ સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.