સુરત પોલીસની મહિલા ટીમ નવરાત્રી દરમિયાન યોજાનાર ગરબા ઈવેન્ટ્સ પર અનોખી રીતે નજર રાખશે. ગરબા દરમિયાન રોમિયોગીરી કરનારઓને કાબૂમાં લેવા માટે સુરત પોલીસે આ અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. હવે મહિલા પોલીસની SHE ટીમ ગરબા ઈવેન્ટ્સમાં ચણીયા ચોલી પહેરીને ખેલૈયાઓ વચ્ચે ગરબા રમશે. આ વખતે નવરાત્રી 3જી ઓક્ટોબરથી 13મી ઓક્ટોબર સુધી રહેશે.
સુરતમાં નવરાત્રિ નિમિત્તે યોજાનાર પરંપરાગત ગરબા કાર્યક્રમોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અનેક જગ્યાએ મોટા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની લોક સંસ્કૃતિમાં નવરાત્રિ દરમિયાન યુવક-યુવતીઓ માતાની પૂજા કરવા માટે ગરબા કરે છે. પરંપરાગત ગરબાની સાથે શેરીઓમાં શેરી-ગરબાના રૂપમાં ગુજરાતની સંસ્કૃતિના અનેક સ્વરૂપો જોવા મળે છે.ત્યારે આવા સમયમાં મહિલાઓ અને યુવતીઓના છેડતીના બનાવો બનતા હોય છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત પોલીસે SHE ટીમ તૈયાર કરી છે. ટીમના સભ્યો પરંપરાગત ગરબા યુનિફોર્મ સાથે ગરબા ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે. અસામાજિક તત્વો અને છેડતીનો પ્રયાસ કરનારાઓ પર નજર રાખવામાં આવશે અને તેમને પાઠ ભણાવવામાં આવશે.
એસીપી મીની જોસેફે જણાવ્યું કે નવરાત્રી દરમિયાન મહિલાઓ અને યુવતીઓની છેડતીની ફરિયાદો મળે છે. સુરત પોલીસે આ માટે 37 ટીમ તૈયાર કરી છે. આ ટીમમાં મહિલા પોલીસકર્મીઓની સાથે પુરૂષ પોલીસકર્મીઓ પણ હાજર રહેશે. તે બધા પરંપરાગત ગરબા યુનિફોર્મ પહેરશે, જેથી દરેકની નજીકથી નજર રાખી શકાય.
છેડતીની કોઈપણ ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને પકડીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગરબા ઈવેન્ટ બાદ ઘરે જતી મહિલાઓ અને યુવતીઓ સાથે કોઈ ઘટના બને તો પોલીસ તમામ વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવશે. સામાન્ય જનતા માટે પોલીસ હેલ્પલાઇન પણ જારી કરવામાં આવી છે.