સુરતમાં ડીંડોલી નવાગામ વિસ્તારમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જીંદગી સાથે ચેડા કરતા ૬ બોગસ તબીબોને ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે.શહેર વિસ્તારમાં કોઇપણ જાતના ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીના આધારે દવાખાનાઓ ખોલી લોકોની જીંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી દવાખાનાઓ ઉપર રેઇડ કરવામાં આવે તેવી સૂચના પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવતા ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતા ડીંડોલી નવાગામ વિસ્તારમાંથી કુલ્લે-૦૬ અલગ-અલગ સ્થળોએ બોગસ તબીબો દ્વારા ક્લીનીકો ખોલી આવી પ્રવૃત્તી કરવામાં આવી રહેલ હોવાની બાતમી મળતા, પોલીસે ડમી પેશન્ટો મોકલી ખાત્રી તપાસ કરાવતાં સત્ય હકીકત જણાયા બાદ પોલીસે નવાગામ વિસ્તારના અલગ અલગ છ ક્લિનિક પર રેઇડ કરી હતી અને પોલીસની અલગ-અલગ ટીમો તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી. ડીંડોલી નવાગામ વિસ્તારમાં અલગ-અલગ દવાખાનામાં રેઇડ કરી ડીગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા આરોપીઓ (૧) રાજેશ રામક્રિષ્ન મહાજન (૨) મહેશ વિઠ્ઠલ રાજપુત (3) આરતીદેવી મૌર્યા (૪) બુધ્ધદેવકુમાર શિવનંદન ચૌહાણ (૫) મનોરમા પાલ તેમજ શરદ નારાયણ પટેલની ધરપકડ કરીને તમામ દવા તથા મેડીકલનો સરસામાન મુદામાલ કબ્જે કર્યો હતો.