સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા મોલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુમેરુ સીટી મોલમાં ચેન્જિંગ રૂમમાં એક યુવતી અંદરથી લોક થઈ જતા ફસાઈ ગઈ હતી. લાંબા સમય સુધી બહાર ન આવી શકતાં ફાયર વિભાગને બોલાવવો પડ્યો હતો, જ્યાં ટીમે દરવાજો તોડી યુવતીને સુરક્ષિત બહાર કાઢી હતી.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે આવેલા સુમેરુ સીટી મોલમાં આ ઘટના બની હતી.માહિતી મુજબ, ‘રાધારાણી’ નામના કપડાના શોરૂમમાં 26 વર્ષીય યુવતી ખરીદી કરવા આવી હતી.યુવતી કપડાં ટ્રાય કરવા માટે ચેન્જિંગ રૂમમાં ગઈ હતી, પરંતુ કપડાં બદલ્યા બાદ દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો.ઘણા પ્રયાસો છતાં દરવાજો ન ખૂલતાં યુવતી ગભરાઈ ગઈ અને બૂમાબૂમ શરૂ કરી દીધી હતી.
શોરૂમના સ્ટાફે પણ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોક જામ થઈ જતા સફળતા મળી નહોતી.બંધ રૂમમાં લાંબા સમય સુધી ફસાઈ રહેવાને કારણે યુવતીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તે રડવા લાગી હતી.ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.સબ ફાયર ઓફિસર સિધ્ધાર્થ ગઢવી સહિત ટીમ સ્થળ પર પહોંચી અને દરવાજો તોડી યુવતીને સુરક્ષિત બહાર કાઢી હતી.આ ઘટનાને કારણે મોલમાં હાજર લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.