સગા બે ભાઈઓએ કર્યો આપઘાત

સગા બે ભાઈઓએ કર્યો આપઘાત

આર્થિક તંગીમાં આજકાલ લોકો આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા હોય છે ત્યારે સુરતમાં બે સગા ભાઈઓએ આર્થિક પરિસ્થિતિને લઇ જીવન ટૂંકાવી લેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.બન્ને ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પી જીવન ટૂંકાવ્યું છે.મળતી માહિતી પ્રમાણે મૂળ વલ્લભીપુર તાલુકાના અને અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં સુતરીયા પરિવાર રહે છે. 22 વર્ષ પહેલાં પિતા ચંદુભાઇનું અવસાન થયું હતું. ત્યારબાદથી માતા અને બે દીકરા અને બે દીકરીઓએ પરિવારને સંભાળ્યો હતો. ચારેય સંતાનોના લગ્ન પણ કરી દેવામાં આવ્યા છે.પરિવારના બે દીકરા પૈકી મોટો પરીક્ષિત સુતરીયા અને નાનો હિરેન બંને રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. પરીક્ષિતના પરિવારમાં પત્ની, બે દીકરા છે. એક દીકરો પાંચ વર્ષ છે અને બીજુ બાળક પાંચ મહિનાનું છે. જ્યારે હિરેનના લગ્ન 8 મહિના પહેલા જ કરવામાં આવ્યા હતા. પિતાના અવસાન બાદ સુતરીયા પરિવાર સંઘર્ષ કરીને પોતાનું જીવન ચલાવતા હતા. 8 વર્ષ પહેલા અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે 302 નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો.



ત્યારે પણ આર્થિક સ્થિતિ સારી ન હતી. જોકે પરિવારજનો અને સંબંધીઓએ સપોર્ટ કરતા હોમ લોન લઈને આ ફ્લેટ લીધો હતો. ગતરોજ બપોરે અઢી વાગ્યા આસપાસ બંને ભાઈઓ ઘરે હતા. આ દરમિયાન તેમની પત્નીઓ પણ ઘરે હતી. કંઈ કામ હોવાનું કહીને બંને એક રૂમમાં ગયા હતા. ત્યારબાદ બંને ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પી આપઘાત કરી લીધો હતો. થોડા સમય બાદ જાણ થતાં આસપાસ અને સંબંધીઓ મારફતે બંનેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે ટૂંકી સારવાર બાદ બંન્નેના મોત થયા હતા