૧૪ લાખની સિગરેટ સાથે આરોપી ઝડપાયો

 સુરત પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત નશાનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ  ધ્યાને આવ્યું હતું કે શહેર વિસ્તારમાં આવેલા કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સિગરેટ, ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સિગરેટ, તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી આવા રી-ટેઈલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા-દુકાનદારોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવા પ્રકારની ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ-સિગરેટ તથા ઈ- હુક્કાનુ વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડકટ્સના હોલસેલ દુકાનદારો ઉપર વોચ રાખવા માટે એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. 



 સુરતની એસોજી પોલીસે કાપોદ્રામાં આવા ઈ સિગરેટ વેચનારને ત્યાં દરોડા પાડ્યા હતા. સુરત શહેર એસ.ઓ.જી.ને મળેલ બાતમી આધારે, કમલપાર્ક સોસાયટી એલ.એચ.રોડ, લીટલ ફ્લાવર હાઈસ્કુલ પાસે આવેલ સુર્યકિરણ એપાર્ટ. દુકાન નં.1 માં રેઈડ કરી 39 વર્ષીય આરોપી દિનેશ ઉર્ફે દિનીયા ખીમાભાઈ પુરોહીતને ઝડપી પાડયો હતો. તેની દુકાનમાંથી ગેરકાયદે રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નીંગ વગરની અલગ અલગ કંપનીની વિદેશી સિગારેટના મોટા પેકેટ નંગ-740ની કુલ્લે કિ.રૂ.14,56,800ની મતાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી વિરૂધ્ધમાં ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કલમ મુજબ કાપોદ્રા પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે