સુરત મેટ્રો કે પછી વ્યાપારીઓને બરબાદ કરવાનું મશીન ? જો શું કહી રહ્યા છે દુકાનદારો

સુરતમાં છેલ્લા ઘણા સમય થી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેને લઇ સુરત ના લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત ના મસ્કતિ હોસ્પિટલ થી પોસ્ટ ઓફિસ ના રસ્તા પર મેટ્રોના કામકાજ ના કારણે ત્યાંના વેપારી, દુકાનદારોને બેરોજગારીનો સામનો કરવો પડી રહયો છે તો તેઓને આ મામલે આજ સુધી કોઈ પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી જેથી વેપારી, દુકાનદારો એ યોગ્ય ન્યાય ની માંગ સાથે સુડા ભવન ખાતે આવેદનપત્ર આપ્યું છે.સુરતના ટાવર રોડ ઉપર મસ્કતી હોસ્પિટલથી લઈને મહિધરપુરા પોસ્ટ ઓફીસ વચ્ચેનો વિસ્તાર લગભગ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે.



આ વિસ્તારમાં આર્યમાન આર્કેડ અને કોમર્સ હાઉસ નામના બે એપાર્ટમેન્ટ આવેલા છે જેમાં અંદાજિત 400 થી વધુ દુકાનો આવેલી છે. જે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રસ્તો બંધ થવાના કારણે વેપાર પ્રવૃતિ સદંતર બંધ છે. નજીકના ભવિષ્યમાં મેટ્રો પ્રોજેકટના કારણે રસ્તો ચાલુ થાય એવી કોઈ શક્યતા પણ જણાતી ના હોવાના દુકાનદારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે . આ કારણે કેટલીયે દુકાનો બંધ થઈ ગઈ છે. દુકાનમાં કામ કરતાં માણસો પણ બેરોજગાર થઈ ગયા છે. મેટ્રો પ્રોજેક્ટ તરફથી આર્યમાન આર્કેડ અને કોમર્સ હાઉસ એપાર્ટમેન્ટના કોઈ પણ દુકાનવાળાને કોઈ પણ પ્રકારના વળતરની ચુકવણી આજ સુધી કરવામાં આવી નથી. વિકાસના નામે મેટ્રોની કામગીરીથી ત્યાંના લોકો બેરોજગારી નો સામનો કરી રહ્યા છે તો વેપારીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે આ મામલે અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. ત્યારે આખરે ત્રાસી ગયેલા વેપારી દુકાનદારો એ સુડા ભવન ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ યોગ્ય ન્યાય સાથે આટલા સમય માં તેઓને થયેલ નુકશાન ની સામે વળતર ની માંગણી કરી આવેદનપત્ર આપ્યું છે.