રામદેવ કોર્ટ સમક્ષ ફસાયા : એવી કઈ મોટી ભૂલ પડી ગઈ ભારે અને બે હાથ જોડી માફી માંગવાની નોબત આવી જાણો સમગ્ર વિગત

રામદેવ કોર્ટ સમક્ષ ફસાયા : એવી કઈ મોટી ભૂલ પડી ગઈ ભારે અને બે હાથ જોડી માફી માંગવાની નોબત આવી જાણો સમગ્ર વિગત

પતંજલિ આયુર્વેદ દ્વારા ભ્રામક જાહેરાત અને એલોપેથી દવાને નિશાન બનાવવાના મામલામાં યોગ ગુરુ રામદેવ પોતે આજે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટમાં તેમની સાથે પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણ પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન રામદેવે પોતાના વકીલ દ્વારા કહ્યું કે અમે અંગત રીતે કોર્ટમાં છીએ અને માફી માંગીએ છીએ, જે રેકોર્ડમાં નોંધવી જોઈએ. તેના પર કોર્ટે કહ્યું કે તમને પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી અને તમે એફિડેવિટ પણ દાખલ કરી હતી. તો પછી આવી ભૂલ કેમ થઈ? આ સંપૂર્ણ તિરસ્કાર છે. માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા જ નહીં પરંતુ દેશભરની તમામ અદાલતોએ આપેલા દરેક આદેશનું સન્માન કરવું જોઈએ.કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ફરીથી કોર્ટમાં રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે બંનેને 10 એપ્રિલે ફરી કોર્ટમાં હાજર રહેવાનું રહેશે. પતંજલિ અને યોગ ગુરુ રામદેવે પણ એ જ દિવસે એફિડેવિટ ફાઇલ કરવાનું રહેશે. કોર્ટે કહ્યું કે અમે તમને એક છેલ્લી તક આપી રહ્યા છીએ અને તમારી પાસે તમારો જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય છે. સુપ્રીમ કોર્ટે એફિડેવિટમાં પતંજલિના મેનેજિંગ ડિરેક્ટરના નિવેદનને ફગાવી દીધું જેમાં તેમણે કહ્યું હતું કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ (મેજિકલ રેમેડીઝ) એક્ટ જૂનો છે.સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પગલાં ન લેવા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જસ્ટિન અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે કહ્યું કે આશ્ચર્યની વાત છે કે જ્યારે પતંજલિ કંપની જોર જોરથી કહી રહી હતી કે એલોપેથીમાં કોવિડની કોઈ સારવાર નથી ત્યારે સરકારે પોતાની આંખો કેમ બંધ રાખી. આના પર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, 'જે થયું તે નહોતું થવું જોઈતું હતું.' કોર્ટે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કહ્યું, 'તમારે કોર્ટમાં આપેલા વચનનું પાલન કરવું પડશે, તમે દરેક મર્યાદા તોડી છે.'નોંધનીય છે કે 21 માર્ચે સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના મામલામાં પતંજલિ આયુર્વેદ, કંપનીના વડા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે આ કેસની આગામી સુનાવણીમાં રામદેવ અને બાલકૃષ્ણ પોતે હાજર રહે. આ પછી રામદેવ અને બાલકૃષ્ણ આજે કોર્ટ પહોંચ્યા હતા. એટલું જ નહીં, હવે કોર્ટે તેને ફરીથી કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે.