હનીફ અમીર ખાનની હત્યા છતા પોલીસ કમિશનર ગુમનામ

સુરત શહેર પોલીસ કમિશનર વગર ચાલી રહ્યું છે. ત્યારે દિવસેને દિવસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ નબળી પડતી હોય તે રીતે બે દિવસમાં જ ત્રીજી હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. વરાછા અને લિંબાયતની હત્યાના બીજા જ દિવસે ખટોદરા વિસ્તારમાં જાહેરમાં એક યુવકની હત્યા થઈ છે. જૂની સબજેલ નજીક ત્રણ આરોપીઓએ એક યુવકને જાહેરમાં જ તિક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સુરતમાં ખટોદરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય હનિફ અમીર ખાનની હત્યા કરવામાં આવી હતી. જૂની સબજેલ નજીક ત્રણ જેટલા લોકોએ મળીને યુવકને જાહેરમાં જ યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. યુવક માન દરવાજા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હત્યારાને અંજામ આપી આરોપીઓ બાઈક પર ફરાર થઈ ગયા હતાં. જ્યાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.


મૃતકના સંબંધી શાહરૂખએ કહ્યું કે, મારા ભાઈને તેના મિત્રો ઉઠાવી ગયા હતાં. માનદરવાજાથી સબજેલ પાસે લઈ ગયા અને ત્યાં જઈને આરીફને ફોન કરવા કહ્યું હતું. બાદમાં આરીફને પોલીસનો બાતમીદાર હોવાનું કહી એઝાજ, અહેમદ સહિત ગોપાલના લોકોએ માર મારવાનું શરૂ કર્યું હતું. એ લોકો એમડી ડ્રગ્સ વેચતા હોવાનો આરોપ પણ વધુમાં શાહરુખએ મૂક્યો હતો.